પ્રકૃતિની ગોદમાં જીવનનો બહુમૂલ્ય પાઠ મળી ગયો..
अगस्त 22, 2018
0
ઘરશાળા
રજાનો દિવસ હતો, પિતા પોતાના પુત્રને બાઈક પર બેસાડી શહેરની ભીડથી દૂર નીકળી ગયા. આશય હતો દીકરાને કંઈક નવું બતાવવાનો. ખુલ્લું આકાશ, શુદ્ધ હવા, વૃક્ષો, પર્વતોએ પુત્રને મજા પાડી દીધી. પિતા-પુત્ર એવી જગ્યાએ પહોંચ્યા, જ્યાં કુંભાર ચાકડો ફેરવી રહ્યો હતો. ખાસ માટીને પગે ખૂંદીને તેમાંથી તૈયાર કરેલા પિંડને તેણે ચાકડે ચડાવ્યો. એક હાથ પિંડાના મધ્યમાં અને એક તેની કિનારે રાખ્યો કે તરત જ ફરતો પિંડ આકાર ધારણ કરવા લાગ્યો. પુત્રના આશ્ર્ચર્યને પામી ગયેલા પિતાએ તેને ધ્યાનથી જોતા રહેવા કહ્યું.
કુંભારનો એક હાથ પાત્રના આકાર અંદર હતો અને બીજા હાથે બહારથી માટીને થપથપાવતો હતો.
પુત્ર પૂછી બેઠો : પિતાજી, એ માટીને મારે છે કેમ ?
પિતાએ કહ્યું : બેટા, જે ભાગ ઠીક છે તેને થપથપાવે છે, શાબાશી આપે છે અને જે ઠીક નથી તેને ટાપલી મારીને ઠીક કરે છે.
પુત્રએ વળી પૂછ્યું : તો બીજો હાથ માટીના અંદરના ભાગે કેમ રાખે છે ?
પિતાજીએ સુંદર ઉત્તર વાળ્યો : એ આધાર આપે છે બેટા ! ટાપલીથી માટી ફાટી ન જાય, આકાર બગડી ન જાય તેની તકેદારી રાખે છે અંદરનો હાથ.
મમ્મી ખિજાય ને પાછી વ્હાલ કરે છે કે નહીં ? અને પપ્પા તારા સારા કામને વખાણીને પણ વધુ સારું કરવા પ્રેરે છે કે નહીં ?
પુત્રએ હકારમાં માથું હલાવ્યું. સુંદર આકારનું માટલું તૈયાર થયું. ખુશ થતાં પુત્ર બોલી ઊઠ્યો : આપણે આ માટલું લઈ જઈશું. કુંભારે કહ્યું : હજી તો એણે નિંભાડે ચડવાનું બાકી છે. બાળકની મૂંઝવણ દૂર કરતાં પિતાએ સ્પષ્ટતા કરી કે આ માટલું હજી અગ્નિમાં ખૂબ તપશે. એ તાપ સહન કરવાથી તેની માટી પાકી થઈ જશે. ત્યાર પછી જ એ માટલું ઠંડા પાણીથી કોઈની તરસ છીપાવવા યોગ્ય બનશે.
બાળકને પ્રકૃતિની ગોદમાં જીવનનો બહુમૂલ્ય પાઠ મળી ગયો. શાળાકીય રજામાં, ઘરશાળા કામ આવી.
आप के सहकार के लीये शुक्य्रिया…
Chaudhari kundan
Tags
Thank you for comments