પૃથ્વી વધુમાં વધુ કેટલા માણસોને પાલવી શકે તેમ છે?
આજે દુનિયાની વસ્તી 7.96 અબજ છે. ચાલુ વર્ષમાં જ 8 અબજનો આંકડો પાર થશે, પણ આ ગણતરીમાં આખી પૃથ્વીનાં નાનાં નાનાં ગામોનો હિસાબ કોણ રાખે છે? કઈ જગ્યાએ કેટલા જન્મ થયા અને કેટલાં મૃત્યુ થયાં તે કેવી રીતે ખબર પડે? આ અંદાજ સંયુક્ત રાષ્ટ્રોના વસ્તી વિભાગ (United Nations Population Division) દ્વારા બાંધવામાં આવે છે. ચોક્કસ કયા દિવસે આપણા ગ્રહ પર જીવિત માણસોની કુલ સંખ્યા કેટલી છે એ જાણવાનો કોઈ ઉપાય નથી, ફક્ત અડસટ્ટે કહી શકાય. સંયુક્ત રાષ્ટ્રોનો આ વિભાગ દરેક દેશનાં વસ્તીપત્રક, જન્મદર, મૃત્યુદર, સ્વાસ્થ્યના વિવિધ સર્વે, WHOનો ડેટા વગરે તમામ પ્રાપ્ય માહિતીઓનો ડેટાબેઝ તૈયાર કરે છે. તેના પરથી લગાવાતા અંદાજમાં 2-3%ની ક્ષતિ હોઈ શકે છે. 2%ની ભૂલ આપણને એકદમ સૂક્ષ્મ લાગી શકે, પણ 8 અબજની વસ્તી ગણતરીમાં 2%ની ભૂલ હોય એટલે 16 કરોડ માણસોની સંખ્યા આઘીપાછી થઈ ગઈ કહેવાય, જે અમેરિકા દેશની અડધી વસ્તી બરાબર છે. તે છતાં આપણી પાસે દુનિયાની વસ્તીનું સૌથી ચોક્સાઈપૂર્વક થયેલું આકલન એકમાત્ર આ જ છે. વર્લ્ડોમીટર (worldometer) નામક વેબસાઈટ પર પૃથ્વીની વસ્તીની ક્ષણે ક્ષણની અપડેટ જોવા મળે છે. એનું મીટર એટલું ઝડપથી ફરે છે કે જે જોઈને બીક લાગે. શું ખરેખર ડરવું પડે તેવી પરિસ્થિતિ છે? આશરે 3 લાખ વર્ષ અગાઉ જ્યારે માણસની જાતિ (homo sapiens) પૃથ્વી પર આકાર પામી ત્યારે એ લોકોની (એટલે કે આપણી) સંખ્યા 100થી 10,000ની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. એ સમય પછી દર 35,000 વર્ષે વસ્તી બમણી થતી હતી.
આજથી 10-15 હજાર વર્ષ પહેલાં ખેતીવાડીની શોધ થઈ ત્યારે કુલ માણસો 10 લાખથી 1 કરોડની વચ્ચે હતા. ત્યાર બાદ દર 1500 વર્ષે વસ્તી બમણી થવાનું ચાલુ થયું. આપણે 16મી સદીમાં પહોંચ્યાં ત્યાં સુધીમાં દર 300 વર્ષે વસ્તી બમણી થવા માંડી. 1758ની સાલમાં આપણી સંખ્યા 1 અબજ પર પહોંચી. તેનાં 170 વરસમાં ફરી પાછાં ડબલ થઈ ગયા! મતલબ, 1928માં આપણે 2 અબજ માણસો હતા. ત્યાર બાદ આપણી સંખ્યા ખૂબ તીવ્ર ગતિથી વધી. ફક્ત 45 વર્ષમાં બમણી વસ્તી થઈ ગઈ, એટલે 1973માં વસ્તી 4 અબજ પર પહોંચી. તેના 49 વર્ષ પછી આજે 2022માં હજુ ડબલ નથી થયા. માનવજીવન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીની પેટર્ન જોતાં ખ્યાલ આવે કે, વસ્તી બમણી થવાની ઝડપ ધીરે ધીરે વધી, જે વીસમી સદીમાં સૌથી તીવ્ર ગતિએ પહોંચી અને ત્યાર બાદ હવે ઘટવા લાગી છે. વૈજ્ઞાનિકોની ગણતરી મુજબ 1962માં આ ઝડપ સૌથી વધુ ઊંચાઈ પર હતી. અર્થાત્ હવે આપણી સંખ્યા એટલી ઝડપથી બમણી નથી થવાની! નિષ્ણાતો કહે છે કે, આપણે 2058માં 10 અબજનો આંકડો વટાવીશું અને અન્ય કોઈ અણધાર્યા સંજોગો નહીં નડે તો 2100 પછી આપણે 11-12 અબજની વસ્તી પર સ્થિર થઈ જઈશું અથવા તો ઘટવા માંડીશું! શું એનો અર્થ એવો થાય કે પૃથ્વીની મહત્તમ ક્ષમતા (carrying capacity) 12 અબજ માણસોની છે? કદાચ એ આંકડા પર પહોંચતા રોગચાળો અને ભૂખમરો એટલો વધી જતો હશે કે ઊંચા મૃત્યુદરથી આપમેળે વસ્તી વિસ્ફોટ કાબૂમાં આવે.
Thank you for comments